e-Magazine

સંદેશખાલી માં મહિલાઓ પર શાહજહાં શેખ ના અત્યાચાર વિરુદ્ધ ગુજરાતમાં કર્ણાવતી, સુરત, વડોદરા અને રાજકોટ સહિત 38 સ્થાનો પર બંગાળની તૃણમુલ સરકાર વિરુદ્ધ પ્રદર્શન

પશ્ચિમ બંગાળના સંદેશખાલી માં મહિલાઓ ઉપર થઇ રહેલા અત્યાચારોની સામે આજરોજ ગુજરાતભરમાં અ.ભા.વિ.પ ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સંદેશખાલી માં થઈ રહેલ મહિલાઓ પરના અત્યાચારોને લઈને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના 33 જિલ્લાઓમાં જિલ્લા કલેકટરશ્રી ના માધ્યમથી રાષ્ટ્રપતિ સમક્ષ ન્યાયની માંગ મુકતા આવેદનપત્રો આપવામાં આવ્યા.

ABVP ના કાર્યકર્તાઓએ ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ મમતા બેનર્જી સરકાર હાય-હાય અને મુર્દાબાદના નારાઓ સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂતળાના મગજનું ઓપરેશન કરી પૂતળાનું દહન કર્યું હતું. વડોદરા અને અમદાવાદમાં સંદેશખાલી ના વિષયને લઈને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનમાં પોલીસે અ.ભા.વિ.પ ના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

પશ્ચિમ બંગાળમાં TMC ના નેતાઓ દ્વારા થઈ રહેલી હિંસા મામલે સમગ્ર દેશમાં આજે ABVP ના કાર્યકર્તાઓ અલગ-અલગ સ્થળોએ વિરોધ કરી રહ્યા હતા. ત્યારે અમદાવાદમાં પણ ગુજરાત યુનિવર્સિટી પાસે ABVP ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સંદેશખાલી ના વિરોધ દરમિયાન ‘જસ્ટિસ ફોર સંદેશખાલી’ ના બેનર પર લોકોએ સહી કરી બંગાળમાં મહિલા સુરક્ષાના મુદ્દે પ્રશ્ન કર્યા હતા.

પ્રદર્શનમાં બંગાળની સુરક્ષા પર સવાલ ઉઠાવતા અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થભાઈ ભટ્ટે કહ્યુ કે “તુષ્ટિકરણની રાજનીતિથી મમતાએ બંગાળમાં ન્યાય વ્યવસ્થાને ખોખલી કરી નાખી છે.” અ.ભા.વિ.પ ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રિય સંગઠન મંત્રી શ્રી અશ્વનીજી શર્માએ કહ્યુ કે “આજે બંગાળમાં કેન્દ્રીય સમિતિઓ ઈ. ડી અને સી. બી. આઈ પણ સુરક્ષિત કાર્યવાહી કરી શકતી નથી ત્યારે બંગાળમાં મહિલા સુરક્ષા એ ગંભીર મુદ્દો છે.” અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલાએ કહ્યું કે “બંગાળમાં સંદેશખાલી ની મહિલાઓએ દુષ્કર્મી આરોપીની ધરપકડ થતા હોળી મનાવી, તો એ પહેલા ના દ્રશ્યો કેટલા પીડાદાયક હશે.”

×